ગુજરાતમાં અત્યારે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ગાજવીજ સાથે પડેલા આ વરસાદને કારણે પાટણ શહેર સહિત આસપાસના પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને પાટણ માર્કેટ યાર્ડમાં પડેલા તમાકુના તૈયાર પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં એકસાથે 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
પાટણ જિલ્લામાં વરસાદી તાંડવ
પાટણ જિલ્લાની વાત કરીએ તો, સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને ત્યારબાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. પાટણ શહેર ઉપરાંત મુણુદ અને બાલીસણા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે જ સમી અને હારીજ શહેર તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક તૂટી પડેલા આ માવઠા અને પવનના કારણે ખેતરોમાં ઊભેલા તૈયાર ખેતી પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જેના લીધે જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે.
હવામાન વિભાગની 3 સિસ્ટમ અંગેની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન મળીને કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
પવન અને વીજળી: જેના પરિણામે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાન આવવાની પૂરેપૂરી સંભાવના છે.
કયા વિસ્તારોમાં વરસાદ? પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીને બાદ કરતા રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
યલો એલર્ટ: ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ખરાબ વાતાવરણને જોતા આજે અને આવતીકાલે માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે.
તાપમાનની સ્થિતિ: ક્યાં કેટલી ગરમી?
એક તરફ વાદળછાયો અને વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની નોંધાઈ છે.
તાપમાનનો પારો: રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 36.7 ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમદાવાદની સ્થિતિ: અમદાવાદમાં આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 48 કલાક વાતાવરણમાં કોઈ બહુ મોટો બદલાવ નહીં આવે, પરંતુ ત્યારબાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ધીમો વધારો નોંધાઈ શકે છે.
