સિદ્ધપુરઃ પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી ફરી એકવાર માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી ગઇ છે. મહેતા ઓળના મહાડ નજીક પાણી સાથે માનવ અવશેષો નીકળ્યા હતા. માનવ અવેશેષો મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. પાણીની પાઇપ લાઈનો વ્યવસ્થિત સાફ સફાઈ કરવા સ્થાનિકોની માંગ છે.


નોંધનીય છે કે અગાઉ સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે  પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.  પીએમ રિપોર્ટ મુજબ આ માનવ અવશેષો યુવતીના  હોવાનું સામે આવ્યું છે.  અવશેષો પર કોઈ ઇજાના નિશાન નહિ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.  પીએમ રિપોર્ટ મુજબ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.  પોલીસ તપાસમાં મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો પરિવારનો સ્વીકાર છે.  પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસી ટીવીમાં જોવા મળી  તે ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે. 


21 થી 40 વર્ષની યુવતીના અવશેષો હોવાનું અનુમાન છે.  લાશ પાણીના ટાંકામાં રહેતા ડીકમ્પોઝ થવા પામી હતી.  પાણીની પાઇપ લાઈનમાં લાશ અથડાતા ટુકડા થયાં હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.  માનવ અવષેશો અને ગુમ યુવતીના કેટલાક પુરાવા મળતા આવે છે.  માનવ અવષેશો ગુમ યુવતીના હોવાનું અનુમાન છે.  ગુમ યુવતીના માતા-પિતાના DNA રીપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના અંગે રહસ્ય ખુલશે.


અગાઉ સિદ્ધપુરમાં પાણીની ફરિયાદને પગલે પાલિકાએ ખોદકામ કરતા પાણીની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા.ચાર દિવસથી પાણી ન આવતા પાલિકાએ ખોદકામ કર્યું હતું જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. માનવ અવશેષો પાણીની પાઇપ લાઇનમાં કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય છે.


પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાઇપ લાઇનમાં ફોલ્ટ શોધવા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મુખ્ય લાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની સમસ્યા સર્જાઇ હતી. મોહલ્લાની મુખ્ય પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળતા શહેરીજનો ચોંકી ઉઠ્યા હતા. માનવ અવશેષો મળતા પાલિકા તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ અવશેષોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.