Patan : પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજીક તત્વો અને ખંડણીખોરો ઘાકઘમકી આપીને વેપારીઓ પાસે લૂંટ ચલાવી રહ્યાં  છે. ખંડણીખોરોને પીસ્તોલની અણીએ ખંડણી વસૂલી રહ્યાં છે. વેપારીઓમાં ખંડણીખોરોનો ભારે ભય છે. ખંડણીખોરોના ભયથી વેપારીઓ ખંડણીની રકમ  ચૂકવી રહ્યાં છે. 


જો કે આ બાબતે SOG પોલીસે કાર્યવાહી કરી છે. બાતમીને  આધારે SOG પોલીસે ઘટનાનો પર્દાફાશ કર્યો છે અને એક ખંડણીખોરને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવતા અને ખોફ જમાવતા હોવાના CCTV ફૂટેજ પણ પોલીસે જપ્ત કર્યા છે. 


ખંડણીખોરોના ભયથી વેપારીઓ સમગ્ર મામલાને દબાવી રહ્યા હતા. આખરે SOG પોલીસે ટેકનીકલ રીતે ખંડણીખોરો પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. 


ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી હોવાની ઓળખ આપી વાહનચાલકોને ખંખેરતાં 4 ઠગબાજો ઝડપાયા
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસની  ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ છે. બાઈક લઈને જઈ રહેલા અસલી પોલીસ કર્મીને રોકી લાયસન્સ તથા આરસી બુક જેવા દસ્તાવેજો માંગી પરેશાન કરનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધી છે. પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે. કારણ કે આરોપીએ અગાઉ પણ પોલીસના નામે ગુનાઓ આચર્યા છે.


અસલી પોલીસના દસ્તાવેજો ચેક કરતા ભાંડો ફૂટ્યો 
ખોખરા પોલીસ ની કસ્ટડીમાં રહેલા આરોપીઓ ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મી તરીકે ઓળખ આપી વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા.સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લિયાકતહુશેન શેખ નામના આ ચાર આરોપી શહેરના કોઈપણ ચાર રસ્તે ઉભા રહી જતા અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવી, વાહન ચાલકો પાસેથી દસ્તાવેજો ચેક કરતાં. કોઈ પણ બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા.જોકે ગઈકાલે તેમનો સામનો અસલી પોલીસ કર્મી સાથે થયો.અને આજે તે જેલના સળિયા ગણી રહ્યા છે. 


ખોખરા પોલીસે ચારેય ઠગ સામે ગુનો નોંધ્યો 
બનાવની વિગત જોઈએ તો ગત મોડી રાતે ચારેય આરોપી પોતાની નંબર પ્લેટ વિનાની બે બાઈકો લઈ હાટકેશ્વર બ્રિજના છેડે ઉભા હતા અને રૂપિયા પડાવવા માટે વાહન ચાલકોને રોકી રહ્યા હતા.તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સાગરદાનને આરોપીએ રોકી ડોક્યુમેન્ટ માંગ્યા હતા.જોકે પોલીસકર્મીને  શક જતા તેઓએ ડોક્યુમેન્ટ મંગાવવાના બહાને પોલીસને બોલાવી લીધી અને 4 નકલી પોલીસ કર્મી ઝડપાઈ ગયા. ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.