પાટણ જિલ્લાનું માતપુર ગામ જ્યાં બની દર્દનાક દુર્ઘટના.  મકાનનો સ્લેબ ભરતી વખતે અચાનક દીવાલ જ થઈ ધરાશાયી થઈ હતી.  જેમાં દબાઈ જતા બે શ્રમિકના મોત થયા હતા.  વીસલવાસ ગામના શ્રમિકો આજે પાસેના ગામ માતપુર ગયા હતા. અહીં સ્લેબ ભરતી વખતે મકાનની જૂની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી.  જેમાં 3 મહિલા સહિત 4 શ્રમિક દબાઈ ગયા હતા. 


સ્થાનિકોએ કાટમાળમાંથી ચારેય શ્રમિકને બહાર કાઢ્યા હતા.  જો કે, એક પુરુષ મજૂરનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.  બાદમાં ત્રણેય મહિલા શ્રમિકોને પાટણની ધારપુર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલા શ્રમિકનું પણ મોત થયું હતું.  હાલ બે મહિલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે.


વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર


વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન


 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.


શું કહ્યું પરિમલ નથવાણીએ?


પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી