Patidar reservation movement update: ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસોનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવાની કરવામાં આવેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ જેવા પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસો હવે રદ થશે.

આ કેસ પરત ખેંચવાની મંજૂરી મળતા જ અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. લાંબા સમયથી આ કેસોનો સામનો કરી રહેલા નેતાઓ અને કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો હતો.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ મોટો દાવો કર્યો હતો કે રાજદ્રોહ સહિતના કેસમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલને મુક્ત કરાયાનો તેમણે દાવો કર્યો હતો. આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા હતા. ભાજપમાં જોડાતા હાર્દિક પટેલ અદાલતની કાર્યવાહી પહેલા જ દોષમુક્ત થયો હતો.

પોતાની સામેના કેસ પરત ખેંચાયાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ સોશલ મીડિયામાં આભાર માન્યો હતો. ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય કરતા હાર્દિક પટેલે આભાર માન્યો હતો.

સોશલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટ પ્રમાણે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને મહેસાણાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ આંદોલનકારીઓ સામેના કેસ પાછો ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. બાંભણિયાએ કરેલી પોસ્ટમાં ક્યા પ્રકારના 14 કેસ પરત ખેંચાયા તેની યાદી પણ સામેલ કરી હતી. જેમની સામે આનંદીબેન પટેલની સરકારમાં ગુના નોંધાયા હતા તે આ દાવા મુજબના આ તમામ પૈકીના હાર્દિક, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા. ભાજપના શરણે જઈ હાર્દિક પટેલ હવે વિરમગામના ધારાસભ્ય પણ હતા. જો બાંભણિયાનો દાવો સાચો હોય તો હાર્દિક સહિતના આ આંદોલનકારીઓ વિરૂદ્ધના આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકાર પરત ખેંચવા જઈ રહી હતી. જોકે કેસ પાછા ખેંચવાના નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાની સરકાર કે ગૃહવિભાગ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટી થઈ ન હતી.

ચિરાગ પટેલે કહ્યું હતું કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી ન હતી. સરકાર તરફથી જાહેરાત ન થાય ત્યાં સુધી રાહ જોઈ રહ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગંભીર કેસ પરત ખેંચવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી હતી. બે મહિના પહેલા કેસોની રાજ્ય સરકારને માહિતી અપાઇ હતી. જે-તે વખતે આ કેસોનો લીસ્ટમાં સમાવેશ થયો ન હતો. જે-તે સમયે આંદોલનને કચડવાનો પ્રયાસ થયો હતો. બાંભણિયાએ દાવો કર્યો હતો કે અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણાના કેસો પાછા ખેંચાશે. રાજ્ય સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. કેસ પાછા ખેંચવાના નિર્ણય મુદ્દે સરકાર તરફથી હજુ સ્પષ્ટતા કરાઇ ન હતી.