ગીર સોમનાથ: ઉના પોલીસ સ્ટેશનના તત્કાલિન PI નિલેશ ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.  PI ગોસ્વામીએ વચેટિયા મારફતે 10 લાખ સુધીનો તોડ કર્યો હતો. ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર દીવથી ગુજરાત આવતા પર્યટકોને રોકવામાં આવતા અને યેનકેન પ્રકારે તેમની પાસે પૈસા પડાવાતા હતા. આ માટે PI ગોસ્વામીએ નિલેશ તડવી નામનો વચેટિયો રાખ્યો હતો. જે ચેકપોસ્ટ પર ઉઘરાવાતા પૈસાનો હિસાબ કિતાબ રાખતો હતો. 


વચેટિયો નીલેશ તડવી આ પૈસા બૂટલેગરના ખાતામાં જમા કરાવતો હતો. બાદમાં બુટલેગર પાસેથી PI ગોસ્વામી પૈસા મેળવી લેતા. તોડકાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ACBના હાથે નિલેશ તડવી ઝડપાઈ ગયો.તેના મોબાઈલ ફોનમાં PI ગોસ્વામી સાથેની વાતચીત મળી આવતા PI સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી PI ગોસ્વામી ભૂગર્ભમાં હતા. કોર્ટે આગોતરા જામીન ફગાવતા બે દિવસ પહેલા તેની ધરપકડ કરાઈ હતી.


ઉના તોડકાંડ મામલે ACBએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં Dysp ગંભીરસિંહ પઢેરિયાએ જણાવ્યું કે, તારીખ 5 જાન્યુઆરીના રોજ ઉના પોલીસ સ્ટેશનના હેમતપુર માંડવી ચેકપોસ્ટ પર જુનાગઢ એસીબી પોલીસ સ્ટેશન તરફથી એક ટ્રેપ ડીકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે ગેરકાયદેસર દારૂ દીવથી આવે છે તે પ્રકારની માહિતી મળી હતી. જો કે, ત્યાં ફરજ પર જે પોલીસ કર્મચારીઓ હતા તેઓને એસીબીના રેડ હોવાની ગંધ આવી જતા તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ, થર્ડ પાર્ટી કે જેનું નામ નિલેશ તડવી છે તેની ધરપકડ કરવામાં આવી હતી.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિલેશ તડવી ઉના પોલીસ સ્ટેશનના PI નિલેશ ગોસ્વામી માટે કામ કરતો હતો. તેના કબજામાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરતા તે પોતે વચેટીઓ હોવાનું સામે આવ્યું હતું. આ બે મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી અસંખ્ય નાણાકીય ટ્રાન્જેક્શનો મળી આવ્યા હતા. આ ઉપરાંત, તેના કોલ રેકોર્ડ ચેક કરતા તેણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઘણીવાર નાણાકીય લેવડ-દેવડ અને હિસાબ આપવા અંગેની વાત મળી આવી હતી. ફોનની વધુ તપાસ કરતા નિલેશે ઉનાના એક હુસેન નામના બુટલેગર અને એક અન્ય બુટલેગરના ખાતામાં જુદી-જુદી એપ થકી ત્યાંથી પસાર થતાં મુસાફરો હોય તેમને હેરાનગતિ કરી અને નાણાં પડાવ્યા હતા અને આ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.