ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.
તે સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદના નાગરિકોને પણ મોટી ભેટ આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે. તેઓ થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.