KUTCH : કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવાઈ રહ્યો છે. 8 વર્ષથી ચાલી રહેલ આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે આવતા મહિને સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેવી શકયતા છે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની આત્માને શાંતિ મળે અને તેઓની યાદમાં મેમોરિયલ બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો, જેનું 2022માં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થવાના આરે છે અને સંભવિત આવતા મહિને વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ કચ્છની પણ મુલાકાત લઈ શકે છે.
ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનમાં પ્રથમ ફેઝમા 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવન મેમોરિયલ પાર્કમાં અહીં 26 જાન્યુઆરી 2001ના આવેલ ગોઝારી ભૂકંપના જે લોકો મૃત્યુ પામ્યા છે તેવોની યાદમાં તેઓના નામ સાથે તખ્તી લગડવામાં આવી છે, તો સાથે સાથે 52 ચેકડેમ, સનસેટ પોઇન્ટ,વોકવે,મ્યુઝિયમ,વૃક્ષારોપણ,સોલાર પ્રોજેકટ, ગેટ, એલઇડી લાઈટ,પાર્કિગ, રોડ રસ્તા સહિતના વિકાસકામો પૂર્ણ થઈ ચૂક્યા છે.
એકમાત્ર મ્યુઝિયમનું કામ બાકી છે. બીજા ફેઝમાં મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે જેનું 60 ટકા કામ પૂર્ણ થયું છે. આ મ્યુઝિયમમાં ભૂકંપની ઝણઝણાહટી લોકો મહેસુસ કરી શકશે. ભૂકંપની તસવીરો,સેવાકીય કામગીરીનો ચિતાર પણ રજૂ કરાશે. આ મ્યુઝિયમનું કામ પૂર્ણ થવાના આરે છે. કચ્છનાં લોકો ભારે આતુરતાથી સ્મૃતિવન ખુલ્લું મુકાય તેની રાહ જોઇ રહ્યા છે.
આ સ્મૃતિવનથી કચ્છમાં પ્રવાસીઓનો ધસારો પણ વધશે અને કચ્છના લોકોને નવી રોજગારીની તકો પણ મળી રહેશે અને વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેકટ છે સંભવિત આવતા મહિને વડાપ્રધાન ખુદ સ્મૃતિવન આવશે અને તેમના ડ્રીમ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.