Gujarat Board Exam: ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પરીક્ષા શરૂ થઇ ચૂકી છે. આ પરીક્ષામાં હવે કેટલાક ગેરરીતિના કેસો પણ સામે આવી રહ્યાં છે. હાલમાં જ સાવરકુંડલામાંથી એક ડમી વિદ્યાર્થીનો કેસ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના સાવરકુંડલાની જે.વી.મોદી હાઇસ્કૂલમાં બની હતી.
અમરેલીમાં ડમી વિદ્યાર્થીનો કેસ મળી આવતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરમાં જે.વી મોદી હાઈસ્કૂલમાં બૉર્ડ પરીક્ષામાં ધોરણ 10ના પેપર દરમિયાન ડમી વિદ્યાર્થિની ઝડપાઇ છે. જ્યારે પેપર ચાલી રહ્યું હતુ, તે સમયે વર્ગખંડમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપી રહી હતી, નાની બહેન બીમાર પડતા મોટી બહેન પરીક્ષા આપવા પહોંચતા ઝડપાઈ ગઇ હતી. વર્ગખંડમાં સુપરવાઈઝરને શંકા જતા ડમી વિદ્યાર્થિનીનો આખો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી પકડાયેલી ડમી વિદ્યાર્થિની અને તેની બહેન બન્ને વિરૂદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 પરીક્ષા શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે.
ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
આજે ગુરૂવારથી ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે. શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું કે 'આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.'
સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં
સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ 1-2ના 55 અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. 10માં 54616 વિદ્યાર્થીઓ છે અને 7 ઝોનમાં 33 કેન્દ્રોમાં 185 બિલ્ડીંગોના 1842 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સા.પ્ર.માં 29726 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં 26 કેન્દ્રોમાં 100 બિલ્ડીંગોમાં 937 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 7853 વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં 10 કેન્દ્રોમાં 37 બિલ્ડીંગોના 403 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
બોર્ડ પરીક્ષાની આકંડાકીય માહિતી
• બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ
•વિદ્યાર્થીઓમાં 76,46,30 છોકરાઓ 66,35,45 છોકરીઓ
•આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટયા
•ધોરણ 10માં 89,2882 વિદ્યાર્થીઓ
•ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 42,39,09 વિદ્યાર્થીઓ
•ધોરણ 12 સાયન્સમાં 11,13,84 વિદ્યાર્થીઓ
•પરીક્ષા માટે વિવિધ જિલ્લાના કુલ 87ઝોન
•ગુજરાતના 16661 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે
•રાજ્યની 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં પરીક્ષા
•કુલ 50991 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા
•409 જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો
•પરીક્ષા માટે 80 હજારથી વધુનો અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ
•બોર્ડ દ્વારા 68 ફૂલાઈંગ સ્કવોડ મૂકાઈ
•મુખ્ય ચાર શહેરોની જેલોમાં 113 કેંદી પરીક્ષા આપશે
•વર્ગ 1-2ના 1500થી વધુ અધિકારીઓ
•બોર્ડ પરીક્ષામાં ધોરણ 10-12માં કુલ 6251 દિવ્યાંગ વિદ્યાર્થી
આ પણ વાંચો