Botad News: ગઢડામાં વ્યાજખોરનો આતંક, ખેડૂત પાસે 10 લાખના બદલે 70 લાખ માંગ્યા! આપ નેતા સામે ફરીયાદ
બોટાદ જિલ્લાના ગઢડામાં વ્યાજખોરીનો આતંક સામે આવ્યો છે. એક ખેડૂત પાસેથી વ્યાજખોરે 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણી કરવાનો આરોપ લાગ્યા બાદ અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બોટાદ: બોટાદ જિલ્લાના ગઢડામાં વ્યાજખોરીનો આતંક સામે આવ્યો છે. એક ખેડૂત પાસેથી વ્યાજખોરે 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણી કરવાનો આરોપ લાગ્યા બાદ અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઢડાના ખેડૂત વલ્લભભાઈ ગઢીયાએ ભગુભાઈ ગભરૂભાઇ બોરીચા સામે ફરીયાદ નોંધાવી છે. ખેડૂતનો આરોપ છે કે વ્યાજખોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી આમ આદમી પાર્ટીના આગેવાન છે અને હાલમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આપ પાર્ટીએ તેમને ગઢડા તાલુકા પંચાયતની સખપર મોટા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીની ખેડૂતે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વ્યાજખોરે ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. વ્યાજખોરે ધાકધમકી, દબાણ કરીને ખેડૂતની જમીન પોતાના નામે કરાવી લીધી છે. ખેડૂત વલ્લભભાઈએ જમીન આપ્યા બાદ પણ વ્યાજખોર વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. વ્યાજખોરોની ઉઘરાણીનો પણ વીડિયો સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીના દિકરા દ્વારા આરોપી પાસેથી કટકે-કટકે 10 લાખ જેટલા પૈસા ઊંચા વ્યાજે લેવામાં આવ્યા હતા, આ પૈસાના હિસાબની સામે 70 લાખ રુપિયાની માંગણી આરોપી દ્વારા કરવામાં આવી હતી. પૈસાની ઉઘરાણીની સાથે-સાથે તેમની જમીનના સાટાખત અને દસ્તાવેજ પણ કરાવી લીધા છે તેવી તપાસમાં હકીકત ફરિયાદીએ જણાવી છે. આરોપી ભગુભાઈ ગભરૂભાઇ બોરીચા રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તેવી હકીકત સામે આવી છે.
ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો 351(3), 352 તથા ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ 2011ની કલમ 33 (3),40 , 42( D), મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






















