ભરૂચઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી છે. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું છે ત્યારે રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ ફરી સમાચારોમાં ચમકી છે.


મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ છે. સંખેડાના કાવીઠા ગામે એશ્રા પટેલ સરપંચ ઉમેદવાર છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, ગત રાત્રીએ મતદાન મથકે બબાલ થઈ હતી. એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 સામે FIR થઈ છે. 


કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી  ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ અંગે માહિતી નથી.


મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ  મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. એશ્રા પટેલે કહ્યું કે, હું આ ચૂંટણીમાં જીતીસ કે હારીશ પણ મારાં ગામનાં  લોકોના હક માટે હું લડતી રહીશ. લોકોના મારા પર વિશ્વાસ છે તેથી જીતની અપેક્ષા હું રાખુ છું. મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે તેથી મારી જીત થશે એવું મને લાગે છે અને  મારે મારાં ગામનાં લોકોની સેવા કરવા માટે જીતવુ છે.


મુંબઈની મોડેલ એશ્રા પટેલ પિતાના રસ્તે ચાલીને  વતનના ગામમાં સરપંચ બનવા માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. એશ્રા પટેલના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે.  તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે એશ્રા પટેલ સહિચ ચાર મહિલાએ ઉમેદવારી કરી છે.