ગીર સોમનાથ:  ગીર સોમનાથના ઉનામાં ખનન માફીયાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ગેરકાયદે ખનન થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી અને દરોડા પાડ્યા હતા.  પોલીસે ઘટના સ્થળેથી 3 કટર મશીન, જનરેટર સેટ, JCB મશીન, 4 ટ્રેકટર સહિત 45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  પોલીસે ઝડપેલા ગેરકાયદે ખનનથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. 

Continues below advertisement


યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત


આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.


આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.


જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો


આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા.  આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક સુધી રોડ શોનું આયોજન કરાયું હતું.  500 મીટરના રોડ શોમાં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.  કેજરીવાલે  જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પણ સુધારવામાં આવશે.  સાથે-સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરીવાલે જનતા સમક્ષ અપીલ કરી હતી. 


કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે 24 કલાક વીજળી અને વીજળીનું બિલ ઝીરો આખી દુનિયામાં ક્યાંય નથી, ફક્ત દિલ્હી અને પંજાબમાં જ છે. હવે ગુજરાતમાં પણ થશે. આ જાદુ માત્ર કેજરીવાલને જ કરતા આવડે છે, બીજા કોઇને નથી આવડતું. મને ઉપરવાળા પાસેથી વરદાન મળ્યું છે. દિલ્હીની શાળાઓ વિશે જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં જોયું હશે, અમે દિલ્હીમાં ખૂબ જ સરસ શાળાઓ બનાવી છે, જેમાં ગરીબો અને અમીરોનાં બાળકો એકસાથે બેસીને ભણે છે.