અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂન માસમાં દેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં 12 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
15 જૂન સુધી આ જિલ્લાઓમાં પડશે વરસાદ
ગુજરાતમાં 12 થી 15 જુનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 11 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાથી ગુજરાતમાં જુલાઈ માસમા વરસાદ પડશે. 15 થી 22 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી
15 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જેમાં સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 24થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે. તાજા અપડેટ પ્રમાણે, 12 થી 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે.
આ વરસાદી સિસ્ટમ સર્જાવવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સિસ્ટમ જવાબદાર છે. આ ઉપરાંત 11 જૂનથી ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે 22 જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તો દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.