Gujarat rain update: ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનતાં રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી, જોકે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું.
ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાપાટણ જિલ્લાના રૂની, માતરવાડી, ગોલાપુર અને અનાવાડા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદબનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, લાખણી, પાલનપુર, અમીરગઢ, વડગામ અને કાંકરેજ પંથકના થરા તથા શિહોરી સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. બાજરી, જુવાર અને મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદમહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલમહીસાગર જિલ્લામાં લુણાવાડા, કડાણા, વિરપુર, ખાનપુર, સંતરામપુર અને કોઠંબા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવનના કારણે અનેક સ્થળોએ મંડપ ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. બાલાસિનોરમાં કથાના પંડાલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
દાહોદ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લામાં વરસાદખેડા જિલ્લાના નડિયાદમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માઈ મંદિર, ખોડિયાર અંડરપાસ અને શ્રેયસ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ડભાણ રોડ પર કલેક્ટર કચેરીના ગેટ નજીક પ્રથમ વરસાદમાં જ ભૂવો પડવાની ઘટના પણ સામે આવી હતી.
ખેડા જિલ્લામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. માતર અને નડિયાદમાં દોઢ ઈંચ, મહુધામાં એક ઈંચ, જ્યારે કપડવંજ, વસો, મહેમદાવાદ અને કઠલાલમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
વડોદરા જિલ્લામાં રસ્તાઓ પાણી-પાણી
વડોદરા જિલ્લાના શિનોર, પાદરા અને ડભોઈ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શિનોરના નાની ભાગોળ, મોટી ભાગોળ, સાધલી, અવાખલ, ટીંબરવા, ઉતરાજ, તેરસા અને તવરા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે શિનોરના માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉધના, પાંડેસરા, ભટાર અને ડીંડોલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ વાયરો તૂટતાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.
વલસાડમાં પણ તિથલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રાત્રે તોફાની પવન બાદ સવારથી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી
ભાવનગર શહેરમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી અને માળિયા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલી પડી હતી, જોકે વરસાદથી ગરમીમાં નોંધપાત્ર રાહત મળી હતી.
ભરૂચ જિલ્લામાં એક ઈંચ વરસાદ
ભરૂચ અને હાંસોટમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જંબુસર, આમોદ, વાગરા અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ગરમીથી રાહત, પરંતુ ખેતી માટે ચિંતાજનક સ્થિતિ
રાજ્યભરમાં વરસેલા પ્રિમોન્સૂન વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. જોકે ભારે પવન અને અચાનક પડેલા વરસાદને કારણે બાજરી, જુવાર, મકાઈ કેરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે
