રાજયમાં ક્રમશઃ ઘટી રહેલા કોરોના સંક્રમણના કારણે કોલેજ અને હાઈસ્કૂલ બાદ હવે પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના વર્ગો પણ શરૂ થાય તેવી શક્યતા છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં 9 ફેબ્રુઆરીથી શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે.


તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામા આવી છે. અત્યાર સુધી કોરોના સંક્રમણના પગલે શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામા આવતા હતા. રાજયમાં 15 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના અંતમાં પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8ના વર્ગો શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પહેલા 6 જાન્યુઆરીએ મળેલી કેબિનેટ બેઠકમાં સ્કૂલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  કોરોનાની મહામારી બાદ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને 12 સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના અંતિમ વર્ષમાં શિક્ષણ શરૂ થયું છે.