Gujarat assembly election 2022:  નાંદોદ વિધાનસભા બેઠક માટે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપલા સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર ચોક સુધી રોડ શો કર્યો હતો. સંતોષ ચાર રસ્તા, શર્મા કોમ્પલેક્ષ, લીમડા ચોક થઈને સફેદ ટાવર ચોક સુધી રોડ શો કર્યો હતો. રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નાંદોદ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર પ્રફુલ વસાવા પણ જોડાયા હતા.


 




સફેદ ટાવર ખાતે મુખ્યમંત્રી ભગવંત માન એ પોતાની ગાડીમાંથી સંબોધન કર્યું હતું. સંબોધનમાં ભગવંત માનએ કહ્યું કે, દુકાનમાં બેઠેલા વેપારીની દુકાન પર ઝંડો ભાજપનો છે પણ ઈશારો મને કરે છે કે ઝાડુ પર વોટ આપીશું. મતદારોને કહ્યું કે ભલે ભાજપ પૈસા આપવા આવે તો પૈસા લઈ લેજો પણ વોટ આમ આદમી પાર્ટીને આપજો. ભગવંત માને શાયરાના અંદાજમાં કહ્યું કે, વોટ અમને આપજો અને ત્યારબાદ જો અમે કરેલા વાયદા પર ખરા ના ઉતરીએ તો અમે મોઢું નહિ બતાવીએ અહીંયા. ભાજપના લોકો પણ ઉભા છે જે લોકો ગુસ્સામાં ઉભા છે અહીં લાગેલા નારા વિશે એમના આકાઓને જઈને કહેશે કે નારા ખૂબ જોરમાં લાગતા હતા.


15 કે 20 નહી, આટલા ટકા ગુજરાતના મત AAPને મળવાનું અનુમાન


ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માંડ એક સપ્તાહ બાકી છે. તાજેતરના સર્વેમાં AAPને મળી રહેલા વોટ શેરથી ભાજપ-કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ABP ન્યૂઝ સી-વોટર ઓપિનિયન પોલમાં જે વોટ શેર મળી રહ્યો છે, આના કારણે BJP (BJP) અને કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે.


એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલમાં ભાજપને આ વખતે 45.4 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. ભાજપને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 3.7% વોટ શેરનું નુકસાન સહન કરવું પડી શકે છે. સર્વે અનુસાર, કોંગ્રેસને 29.1 ટકા વોટ શેર મળી શકે છે, જે મુજબ પાર્ટીને 12.4 ટકા વોટ શેર ઘટી શકે છે. ઓપિનિયન પોલના પરિણામો અનુસાર, આમ આદમી પાર્ટીને 20.2 ટકા વોટ શેર મળી રહ્યા છે.


સર્વેઃ ગુજરાત ચૂંટણી 2022માં કોને કેટલો વોટ શેર મળશે?


ભાજપ - 45.4% વોટ શેર
કોંગ્રેસ - 29.1% વોટ શેર
AAP - 20.2% વોટ શેર


ગત ચૂંટણીમાં AAPને NOTA કરતા ઓછા વોટ મળ્યા હતા.



2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી. તમામ બેઠકો પર તેમની ડિપોઝીટ જપ્ત  થઈ હતી. NOTA બટન દબાવનારા મતદારોની સંખ્યા AAPને મળેલા મત કરતાં વધુ હતી. 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં 5,51,294 મતદારોએ NOTA બટન દબાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ 29 સીટો પર ચૂંટણી લડી હતી અને તેને કુલ 29,517 વોટ મળ્યા હતા. આ 29 બેઠકો પર 75,880 મતદારોએ NOTA બટન દબાવ્યું હતું.