Rain Alert: ગુજરાતમાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે, રાજ્યમાં વરસાદનો ચોથા રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આ પહેલા જુનાગઢ અને હવે દક્ષિણ ગુજરાતમાં નવસારી સહિતના વિસ્તારોમાં પુરની સ્થિતિ બની છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભગાના જળાશયો છલકાઇ ગયા અને નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. મળતી મહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલો ધરોઇ ડેમ પણ છલોછલ થઇ ગયો છે. દરોઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારે ડેમમાં 13611 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ધરોઈ ડેમની જળ સપાટી 618.38 ફૂટ પર પહોંચી ચૂકી છે. ધરોઇ ડેમનો પાણી સ્ટૉક 86.20 ટકા ભરાઇ ગયો છે. હાલમાં ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, 619 ફૂટ પાણી લેવલ થયા બાદ ડેમનો દરવાજો ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવશે. જો હજુ વરસાદ પડશે તો ધરોઇના દરવાજા ખોલવામાં આવી શકે છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ


દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  આપવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.



છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં ખાબક્યો વરસાદ



  • બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ

  • ખેડાના નડીયાદમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • બનાસકાંઠાના દાંતા, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • ખેડાના મહુધામાં  પોણા ત્રણ ઈંચ વરસાદ

  • તાપીના ડોલવણમાં સવા બે ઈંચ વરસાદ

  • પંચમહાલના ગોધરામાં બે ઈંચ વરસાદ

  • ખેડાના કપડવંજમાં પોણા બે ઈંચ વરસાદ

  • ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ

  • બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઈંચ વરસાદ

  • રાધનપુર, વડગામ, દિયોદરમાં પોણા બે ઈંચ વરસાદ

  • મહુવા, પાલનપુર, પલસાણા, પોશીનામાં દોઢ ઈંચ વરસાદ

  • વાંસદા, ખેડબ્રહ્મા, ખેડામાં દોઢ ઈંચ વરસાદ

  • ચીખલી, માતર, હળવદ, લીમખેડા, ઉમરેઠમાં સવા ઈંચ વરસાદ

  • મહેમદાવાદ, ડેસર, વઘઈ, ઠાસરા, વાસો, આહવામાં સવા ઈંચ વરસાદ


સુરતમાં શરૂ થયો વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વરાછા, પુણા, અઠવા ગેટ, મજુરા, રાંદેર, અડાજણ, પીપલોજ, રિંગરોડ, ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વરસાદ છે.









રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે.  ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં  100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.