ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના બે તાલુકાઓમાં ૩ ઇંચ જયારે ૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કુલ ૪૮ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ ૧૧૬ મિ.મી. એટલે કે ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે નવસારીના ગણદેવી અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩ ઇંચ વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્ધારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૧૩ જૂલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૪૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૮.૧૫ ટકા, જયારે પૂર્વ ગુજરાતમાં ૩૫.૫૨ ટકા વરસાદ વરસ્યો હતો.
નવસારી જિલ્લાના ખેરગામ ,નવસારી અને ઉમરપાડા, તાપીના ડોલવણ અને કુકરમુંડા, વલસાડના ઉમરગામ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ થયો હતો. રાજ્યના ૧૫ તાલુકા એટલે કે, વલસાડ, ભરૂચ, નસવાડી, લીમખેડા, ગરુડેશ્વર, પાલડી, વાપી, સુરતના માંડવી અને માંગરોળ, પાદરા, મહુવા, દેવગઢ બારિયા, ઝગડિયા, બરવાળા અને બોડેલી ૧ ઇંચથી વધુ જયારે વિવિધ ૧૫ તાલુકાઓમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં નવસારી જિલ્લામાં તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ હતી. કાવેરી નદી પર બનાવવામાં આવેલો ચેક ડેમ પણ પાણીમાં ગરકાવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના મતે 16 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 15 જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.