બોટાદ : રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ છે. ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારેથી લઈ મધ્યમ વરસા વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવે છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોટાદના બરવાળા પંથકમાં વરસાદ વરસ્યો છે.  

બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમીધારે વરસાદ વરસ્યો છે.  બરવાળામાં ચાર દિવસના વિરામ બાદ  વરસાદની એન્ટ્રી થઈ છે.  બરવાળા શહેરના રોકડીયા હનુમાન, બસ સ્ટેન્ડ, રોજીદ દરવાજા, ખમીદાણા દરવાજા, નાવડા રોડ, ખારા વિસ્તાર સહિત સંપૂર્ણ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. 

બરવાળા તાલુકાના કુંડળ, રોજીદ, રામપરા, કાપડીયાળી, ખમીદાણા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ધીમીધારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલુકા પંથકના મોટાભાગના વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી.

તાપી જિલ્લામાં વરસ્યો વરસાદ

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  નિઝરના વેલદા ટાંકી પાસે ઉચ્છલ નિઝર હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. વેલદા ટાંકી નજીક વરસાદને લઈ દુકાનો સહિત બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયું હતું. 

ઉચ્છલ નિઝર હાઇવે પર દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાણી ફરી વળતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. વરસાદ વચ્ચે નિઝર તાલુકાના ખોડદા ગામે મેઈન રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.  નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે લોકોની હાલાકીમાં વધારો છે. તાપી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારામાં પણ આજે વરસાદ વરસ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 15 તાલુકામાં સીઝનનો સરેરાશ 80 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ પર, 20 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિંગ પર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 48.21 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં કુલ 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. કપાસનું 17.10 લાખ, ઘાસચારાનું 3.10 લાખ હેક્ટર, સોયાબીનનું 1.58 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે. 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરાયું છે.