રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અરવલ્લીના મેઘરજ તાલુકામાં 1.69 ઈંચ, અરવલ્લીના ભિલોડા તાલુકામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, નવસારી શહેર અને જૂનાગઢના વંથલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે રાજ્યના 52 ડેમ હાઈએલર્ટ પર, 26 ડેમ એલર્ટ પર, 23 ડેમ વોર્નિંગ લેવલ પર છે. જ્યારે 31 ડેમ 100 ટકા ભરાઈ ગયા હતા. જ્યારે 70 ડેમમાં 70થી 100 ટકા, 36 ડેમમાં 50થી 70 ટકા, 37 ડેમમાં 25થી 50 ટકા જળસંગ્રહ થયો છે. આજે સવારે 9 વાગ્યાની સ્થિતિએ 2 સ્ટેટ હાઈવે બંધ થયા હતા. પંચાયતના 26 રસ્તા. એક નેશનલ હાઈવે બંધ રહ્યો હતો. રાજ્યમાં કુલ 29 રસ્તા બંધ થયા હતા.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરજનો આંબાવાડી વિસ્તાર તો દોઢ ઈંચ વરસાદમાં જ બેટમાં ફેરવાયો હતો. અહીંની નવજીવન અને ગાયત્રી સોસાયટી વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. મોડાસા અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.  જ્યારે ગાજણ, મરડીયા, ઈસરોલ પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડાના ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથ ઉપરાંત તાલુકાના મરડીયા, ઝમાપુર, ગાજણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલીના ધારી તથા ગીર કાંઠાના ગામમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના દલખાણિયા ગામે તો ધોધમાર વરસાદથી ગામના રસ્તા પર પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાની પધરામણીથી ખેડૂતોના સૂકાતા પાકને આંશિક જીવતદાન મળ્યું હતું. જૂનાગઢ શહેર તથા તાલુકામાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 16 ઓગસ્ટથી જ દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં 16 ઓગસ્ટથી સાર્વત્રિક વરસાદ વરસશે. કેટલાક વિસ્તારમાં તો 12 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.