ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બાદ પૂર્વ કચ્છ ગાંધીધામના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગાંધીધામમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 


કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા


રાજયભરમાં ઉનાળામાં  મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ  500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે.


દર વર્ષે એપ્રિલ મે મહિનામાં ઘઉંની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ  400થી 500 સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં  550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ  600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉંમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. 


આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં પીસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે.  જીરામાં 40 રૂપિયાનો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. 


Gujarat: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6  એપ્રિલે  કમોસમી વરસાદ વરસશે


ખેડૂતો પરથી માવઠાનું સંકટ હજુ નથી ટળ્યું. માવઠું પડવાની હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6 એપ્રિલે  કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે કચ્છ,  બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશે.