Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગઇકાલે રાતે વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ છે. વાવાઝોડાની ગતિ દક્ષિણ બાજુ જતી જોવા મળી રહી છે. 15 જુનના રોજ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થનાર છે. માંડવીથી કરાંચી સુધી 15 જુનના રોજ વાવાઝોડું પસાર થશેય 13 જૂન મધરાતથી વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વની થશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌથી 320 કિલોમીટર દૂર છે. વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 16 અને 17 જુનના રોજ અમદાવાદમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.
ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા 10 નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-3 નંબરના સિગ્નલ લગાવાયા છે. વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે.
પોરબંદરના દરિયામાં દરિયાના પ્રચંડ મોજા જમીન પર ધસતા ઈન્દ્રેશ્વર મહાદેવ મદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. દરિયાકાંઠે હર્ષદ માતાના મંદિર પાસે ગામની બજારમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.