અમદાવાદ: રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હાલમાં વરસાદનું જોર ઘટ્યું
જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં 18થી 22 જુલાઈ વચ્ચે થન્ડર સ્ટ્રોમની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી વરસાદની માહોલ રહેશે. હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે.
સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 51.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 48.02 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનનો 49.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 55.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રાજસ્થાન, કર્ણાટક, કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દેશના અનેક રાજ્યોમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ છે. પહાડોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. યુપી અને બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા શહેરોમાં પાણી લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગાનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે, તેથી બિહારમાં ઘણા શહેરો છે જ્યાં વરસાદ પછી પૂર જેવી સ્થિતિ છે.
કેરળમા ભારે વરસાદે લઈ રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે એટલે કે 18 જુલાઈના રોજ કેરળ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કેરળમાં થોડા દિવસોથી વરસાદ ચાલુ છે. IMD એ આજે કન્નુર, વાયનાડ અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. ઇડુક્કી, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કન્નુર, વાયનાડ અને કાસરગોડમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.