Gujarat Weather Update: ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મહત્વની આગાહી જાહેર કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
9 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે કચ્છ, ભાવનગર, ભરૂચ, અમરેલી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ-દાદરા અને નગર હવેલી વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
7 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
પ્રશાસનની અપીલ
હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. સતત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
