રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં વરસાદ પડી શકે છે. જો કે આવતીકાલથી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના નથી કરાઈ. છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રવિવારે રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ ૫ ઈંચ, ખેડામાં સાડા ત્રણ ઈંચ, ખેડા જિલ્લાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે સીઝનનો ૮.૦9 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
રાજ્યના ૧૨૪ તાલુકા એવા છે જ્યાં અત્યારસુઘી કુલ ૨થી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડા, માતર, કાલાવાડ, માંડલ, ઘોઘંબાનો સમાવેશ થાય છે. જેમાં ખેડા જિલ્લાના માતરમાં બપોરે ૨થી ૪માં બે ઈંચ, ખેડામાં બે કલાકમાં અઢી ઈંચ ઈંચ, ખેડાના કઠલાલમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે.
અન્ય વિસ્તારમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં કડી, રાજકોટ, પાદરા, મુલી, દસાડા, વડિયા, ટંકારા, ધોળકા, વાંકાનેર, કોટડા સંઘાણા, નડિયાદ, દેત્રોજ, ગોંડલ, ખંભાત, કપરાડાનો સમાવેશ થાય છે. આ સિવાય ૪૭ તાલુકા એવા છે જ્યાં દિવસ દરમિયાન અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું છે. જો કે આ વર્ષે ગુવારનું ઓછું વાવેતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 99 હજાર 382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે. તો મગફળીનું કુલ 94 હજાર 518 હેક્ટરમાં વાવણી થઈ છે.
ચાલુ વર્ષે તમાકુની વાવણી પણ ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર 10 હેક્ટરમાં જ તમાકુંનું વાવેતર થયું છે. ગયા વર્ષે 611 હેક્ટરમાં વાવેતર થયું હતું. એક હજાર 44 હેક્ટરમાં ધાન્ય પાકોની વાવણી થઈ છે. તેમાં 625 હેક્ટરમાં કઠોળનું વાવેતર કરાયું છે. એક લાખ 21 હજાર 941 હેક્ટરમાં ગવાર, શાકભાજી, ઘાસચારો, તમાકુંનું વાવેતર થયું છે. વરસાદના પ્રારંભમાં જ 95 હજાર 144 હેક્ટરમાં તેલિબીયાનું વાવેતર થયું છે.