અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં  વરસાદ વરસશે. નવરાત્રિમાં પણ અમુક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી, ડાંગ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.   


જ્યારે નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  3 ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.   


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 90 તાલુકામાં વરસાદ


રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. નવરાત્રિ પહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લામાં મન મૂકીને વરસ્યા છે.  રાજ્યમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થયો છે, આગામી તહેવારો સુધી ચાલી શકે છે. હવામાન વિભાગ અને હવામાનશાત્રીઓના મતે નવરાત્રીમાં પણ વરસાદ મજા બગાડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 90 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે, અચાનક પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.  


રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 


ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો


ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.


Rain News: આજે પણ આ 25થી વધુ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, જાણો વિગતે