Rain Forecast: ગુજરાત રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને પહોંચ્યુ છે. મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને વધુ નુકસાન ના પહોંચે તે માટે અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ મહત્વનો નિર્ણય લીધો છે. માર્કેટ યાર્ડેને આગામી બે દિવસ 1 અને 2 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ખેતી પાકોને નુકસાન વધુ ના થાય તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં એટલે કે 2 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરાતા મોડાસા યાર્ડે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. આગામી 1 અને 2 નવેમ્બરના મોડાસા યાર્ડમાં કામકાજ બે દિવસ માટે બંધ રહેશે. સત્તાધીશોની અપીલ છે કે, વરસાદની આગાહી છે જેના કારણે યાર્ડમાં માલ ના લાવવો જોઇએ, જેથી ખેત પેદાશોને નુકસાન ના પહોંચે. હાલમાં ખેત પેદાશોને વેપારીઓ અને ખેડૂતોએ સલમાત સ્થળે ખસેડવાની પણ સૂચના અપાઇ છે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી અચાનક વાતાવરણ પલટાતા ભારે વરસાદ ખાબકી રહ્યો છે, આની સૌથી વધુ અસર ખેડૂતોને પહોંચી છે. મોટાભાગના ખેતી પાકોને નુકસાન પહોંચ્યુ છે, અને સરકાર પાસે વળતરની માંગ કરાઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની ખેતપેદાશને વધુ નુકસાન ના પહોંચે તે માટે મોડાસાના માર્કેટ યાર્ડે મોટા નિર્ણય લીધી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિને જોતાં માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ માવઠાના માર બાદ, 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થિજાવતી ઠંડી ની શરૂઆત થશે.