Rain Forecast:  ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આગામી થોડા કલાકો દરમિયાન ગાજવીજ, તેજ પવન અને અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Continues below advertisement

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વાહનવ્યવહાર પર અસર અને દૃશ્યતા ઘટવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

આ ઉપરાંત રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં પણ સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કલાકના 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નદીઓ, નાળા અને નીચાણવાળા વિસ્તારોની નજીક જવાનું ટાળવાની સલાહ આપી છે. ભારે વરસાદ દરમિયાન વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં ન રહેવા તેમજ વૃક્ષો નીચે આશરો ન લેવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને પણ ખેતરમાં કામ કરતી વખતે સાવચેતી રાખવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે મોડીરાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 22.80 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 17.32 ઈંચ, મધ્ય ઝોનમાં 16.06 ઈંચ અને પૂર્વ ઝોનમાં 10.28 ઈંચ વરસાદ નોંધાયો છે.