Gir Somnath Rain News: ગુજરાતમાં દિવાળીના તહેવારો ટાણે જ વરસાદી માહોલ જામ્યો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લામાં વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતિત થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો હતો અને વેરાવળ, ઉના, તાલાલા, ગીર ગઢડામાં માવઠું પડતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વેરાવળમાં અઢી ઇંચ, ઉનામાં 1 ઇંચ, જ્યારે તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે તેવો આક્ષેપ ખેડૂતનો છે.
રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે, ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આગામી એક કલાક માટે રેડ અને ત્યારબાદના યલો એલર્ટની વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લાના સૂત્રાપાડા તાલુકમાં છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં મધરાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં ઉના, વેરાવળ, કોડીનાર તાલુકાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને તૈયાર થયેલા મગફળીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. અગાઉ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના મારથી મહામહેનતે બહાર નીકળેલા ખેડૂતોને હવે લાભ પાંચમના દિવસોમાં જ ફરી એકવાર માવઠું જગતના તાતના પાકને ચોપટ કરી નાંખ્યા છે.
કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે. એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે, જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગીર સોમનાથના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે, જેથી આ કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે.
સોમનાથમાં ગાજવીજ વરસાદપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.