ગાંધીનગરઃ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના છ જિલ્લામાં વરસાદને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, દાહોદ, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, આણંદ, પંચમહાલ, વડોદરા, વરસાદની આગાહી કરવામાં આવી છે.


વલસાડના ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યું હતું. ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. સ્ટેશન રોડ, સોળસૂંબા અને ગાંધીવાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલસાડ અને દમણની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડની શાળાઓમાં રજા જાહેર કરાઇ હતી. વલસાડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઇ હતી.


સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે કેટલા રસ્તા બંધ થઇ ગયા છે તો કોઝવે ધોવાઇ ગયા છે.  રાજ્યના 134 રોડ- રસ્તા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે તો  9 સ્ટેટ હાઈવે અને 111 પંચાયત હસ્તકના રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેની અસર એસટી વ્યવહાર પર પણ પડી છે. ભારે વરસાદના કારણે 262 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજકોટ એસ.ટી ડિવીઝને કેટલીક ટ્રીક રદ કર્યાની જાહેરાત કરી છે.


હવામાન વિભાગે આજથી આગામી 2 દિવસ સુધી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ કિનારે વરસાદી ગતિવિધિઓમાં વધારા સાથે ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સતારા, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી, પુણે અને પાલઘરમાં વધુ અસર જોવા મળશે. NDRF અનુસાર, બુધવારે રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગીર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે.                         


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial