ભારે પવન સાથે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લામાં તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકામાં સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદથી બનાસકાંઠામાં અનેક કાચા પાકા મકાનો, વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. તો કેટલાક ગામોમાં અંધારપટ પણ છવાયો હતો. રોડ પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્કવિહોણા થયા હતા. ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં તણાતા બેના મોત થયા હતા. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું.
ભારે વરસાદથી જિલ્લામાં 181 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છ હજાર 897 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જો કે વાવાઝોડાની આફતને લઈને જિલ્લામાં 160 જેટલા કાચાં પાકા મકાનો તેમજ એક હજાર 100 જેટલા વીજપોલ ધરાશાયી થતા 330 જેટલા ગામોમાં વીજળી ગુલ થતા અંધારપટ્ટ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં જ 102 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં વાવાઝોડા સાથેના વરસાદમાં 181 જેટલા પશુઓના મોત થયા હતા. જેમાં અંદાજીત 109 મૃત પશુઓનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ, પશુ પાલકને નુકસાનનું વળતર ચુકવવાની કાર્યવાહી કરવામાં આવશે.
ભારે વરસાદના કારણે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવા અસરગ્રસ્ત લોકોને એક વ્યક્તિને એક દિવસના 100 રૂપિયા લેખે પાંચ દિવસ અને એક બાળકના એક દિવસના 60 રૂપિયા લેખે પાંચ દિવસની ઘરવખરી માટે કેશડોલની સહાય ચુકવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ડિલીવરી બાદ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી. દાંતાના આગેવાને ટ્રેકટર મંગાવીને મહિલા દર્દીને બહાર કાઢ્યા હતા. ભારે વરસાદમાં દર વર્ષે સિવિલમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ લોકોએ લગાવ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
- બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો
- બનાસકાંઠાના અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના વિજયનગરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના પોશિનામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના વડાલીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- સતલાસણા, ફતેપુરામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- ઈડરમાં એક, તો ભિલોડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
- કડી, ધનસુરા, તલોદમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ
- માલપુર, સંતરામપુરમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ