ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં સૌથી વધુ  11 ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજ્યના 67 તાલુકામાં 1થી સાડા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.   


જૂનાગઢના વિસાવદરમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે પોપટડી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિસાવદર પંથકમાં વરસાદથી ઘેડ પંથકની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 




ભારે વરસાદને કારણે ભેંસાણ તાલુકાના મોટા ગુજરીયા ગામ પાસે આવેલ મોટા ગુજરીયા જળાશય 100 ટકા ભરાઈ ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવતા  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  તેમજ જળાશય આસપાસમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા  વિનંતી કરાઈ છે. 


ગુજરિયા ડેમ 100 ટકા ભરાઈ જવાના કારણે ભેંસાણ તાલુકાના મોટા ગુજરિયા જ્યારે વિસાવદર તાલુકાના મોટા કોટડા, નાના કોટડા, માંગનાથ પીપળી, વાજડી અને ખંભાળિયા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.  


જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદને પગલે મનપા તંત્ર એક્શન મોડમાં છે.  22 જુલાઈના રોજ શહેરમાં પુરની સ્થિતિમાં ભારે નુકશાની થઈ હતી. હવે મનપા તંત્ર કોઈ જોખમ લેવા માંગતું ન હોય તેમ એલર્ટ થયું છે. મનપાના અધિકારીઓ વોંકળા કાંઠે જેસીબી મશીનથી કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન પડે.  અગાઉની પુરની ઘટનામાંથી મનપા તંત્રએ શીખ લીધી હોય તેમ હવે તંત્ર સાબદુ થયું છે. 


સોરઠની સૌથી વિશાળ ઓઝત નદી બે કાંઠે વહી રહી છે.  ઓઝત નદીમા ભારે પૂર આવ્યું છે.  લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  જૂનાગઢ મેંદરડા રોડ પર હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. 


જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ


છેલ્લા 10 કલાક દરમિયાન વરસાદ ( મીમીમાં )
જૂનાગઢ - 30 
માણાવદર - 24 
વંથલી - 128
ભેંસાણ - 36
વિસાવદર - 187 
મેંદરડા - 157
કેશોદ - 7  
માંગરોળ - 4 
માળીયાહાટીના - 8 


જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો કુલ વરસાદ ( ઈંચમાં )


જૂનાગઢ - 61.64 
માણાવદર - 43.88 
વંથલી - 56.2 
ભેંસાણ - 47.68
વિસાવદર - 91.48
મેંદરડા - 78.72
કેશોદ - 62.56
માંગરોળ - 58.84
માળીયાહાટીના - 55.84


જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 61.84 ઈંચ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.