ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢ શહેર અને તાલુકામાં 11 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોડ અને સુરતના મહુવામાં 9-9 ઈંચ વરસાદ ખાબક્યો છે. વ્યારા અને અંજારમાં 8-8 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢના બામણાસા નજીક ઓજત નદીનો પાળો તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓજત નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. નદીના પાણી ઘૂસતા ખેતરોમાં મોટું ધોવાણ થયું હતું.
અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યૂલેશનના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર- ક્ચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે જામનગર, દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં ગુજરાત 229.2 મીમી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ
રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1-1 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે.
જામનગર શહેરમાં જળબંબાકાર
ભારે વરસાદથી જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જામનગરમાં 12 વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જી.જી. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર લોબીમાં પાણી ભરાયું હતું. દરેડ નજીક ખોડીયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.
જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાયા
જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાઇ ગયા હતા. પંચાયત પરિસરમાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા આજે જામનગર જિલ્લા પંચાયતમાં ફરજિયાત રજા જેવો માહોલ સર્જાયો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial