Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ, ખેડાના માતરમાં સવા બે ઇંચ વરસાદ જ્યારે સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરતમાં વરસાદી માહોલ
આજે સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના મજુરા, અઠવા,વેસુ, ઉધના, વરાછા,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. પુરા શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં અડધા કલાકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સીદસર, વિરાણી સર્કલ, રીંગરોડ, સરદાર નગર, દિપક ચોક, મેન બજાર, કાળિયાબીડ, ભગવતી સર્કલ સહિતના શહેરી વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી.
તાપીમાં પણ વરસાદ પડ્યો
તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો હતો. વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ પંથકમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલીમાં છવાયો વરસાદી માહોલ
અમરેલીના વડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના હાઇકોર્ટ, ચાંદલોડિયા, પકવાન, પ્રહલાદનગર માં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો.