ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં  વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ વલસાડના પારડી તાલુકામાં 4.3 ઈંચ પડ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 


બોટાદના ગઢડામાં વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો  ઢસા, પાટણા ગામે પણ વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને પણ જીવનદાન મળશે.  મહત્વનું છે કે બોટાદ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 49.66 ટકા, બરવાળામાં 46.78 ટકા, ગઢડામાં 48.21 ટકા, રાણપુરમાં 26.31 ટકા અને જિલ્લામાં 44.13 ટકા વરસાદ વરસ્યો છે.


દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડના ભાગડાવડા વિસ્તારમાં મુખ્ય માર્ગ અને છીપવાડ ગરનાળામાં પાણી ભરાયું છે. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.


વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી


વલસાડ જિલ્લાના તમામ તાલુકા માં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં પણ વેહલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વેહલી સવારથી વીજળી ડૂલ થઈ હતી. જેને કારણે જી. ઈ.બીના કર્મચારીઓ વહેલી સવારથી કામે લાગ્યા હતા. વલસાડના ભાગડાવડા અને કોસંબાના જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા.  પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. ઘણા વાહનો બંધ થયા હતા. 


તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે.  જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ  છે.  જિલ્લા માં સવારે 6 વાગ્યા થી બોપરે 12 વાગ્યા સુધીમાં પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 20 mm , સોનગઢમાં 21 mm, વાલોડમાં 16 mm, નિઝરણાં 3 mm વરસાદ વરસ્યો હતો.