AMRELI : અમરેલી જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને લઈને વરસાદના પાણીથી ખેતરો પણ રસ તરબોળ થઈ ગયા હતા.ત્યારે સમગ્ર ગુજરાતમાં અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી.અમરેલી જિલ્લામાં ઘણા દિવસોથી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે આજે 14 જુલાઈએ બપોર બાદ મેઘો મહેરબાન થયો હતો અને મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસ્યો હતો.આ વરસાદથી સાવરકુંડલાના ભમોદ્રા તરફ જવાના રસ્તાઓ ઉપર આવેલ ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થઇ ગયા હતા.આ પાણી ભરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં પડ્યો મુશળધાર વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા તાલુકાના વીજપડી, ઘાંડલા છાપરી, લુવારા, ગોરડકા સહિતના ગામોમાં મેઘો મન મૂકી વરસ્યો. ભારે વરસાદ પડતા ગોરડકાની સ્થાનિક ફુલઝર નદી બે કાંઠે વહેતી થઇ હતી. પૂરને નિહાળવા લોકો રસ્તા ઉપર આવ્યા હતા. સાવરકુંડલાના મોટા ભમોદરામાં અનરાધાર વરસાદ વરસ્યો. મોટા ભમોદરાની વેકરીઓ નદીમાં ધોડાપુર આવ્યું. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા, આંબરડી, રાજુલાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. સતત વરસાદને કારણે ખાંભાની ધાતરવડી નદીમાં પુર આવ્યું. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તમામ વરસાદની ગતિવિધિ ઉપર સીધી નજર રાખી રહ્યું છે.
ધારી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ધારી શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના દલખાણીયા, મીઠાપુર, ગોવિંદપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગીર વિસ્તારના ગામોમાં ભારે વરસાદથી મીઠાપુર પાસે પસાર થતી શેત્રુંજી નદીમાં પુર આવ્યું. ધારી શહેરમાં ઘોઘમાર વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકોમાં હાલાકી જોવા મળી હતી. સતત વરસતા વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી.
જાફરાબાદના દરિયામાં કરન્ટ
જાફરાબાદ શહેરમા ઘીમી ઘારે વરસાદ વરસ્યો, જો કે જાફરાબાદના દરીયામાં પવન સાથે કરન્ટ જોવા મળ્યો હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દરીયામાં કરન્ટ જોવા મળ્યો.જાફરાબાદના દરીયામાં કરન્ટને કારણે મોજા ઉછળ્યા હતા.