Amreli: લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
લીલીયા તાલુકાના ક્રાકચ અને ભોરિંગડા સહિતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસતા નદી અને વોંકળાઓમાં ભારે પાણીની આવક થઈ હતી.

- અમરેલીમાં અનરાધાર વરસાદથી ક્રાકચ-ભોરિંગડા નદીમાં પૂર આવ્યું.
- સ્કૂલ સંચાલક જગદીશ રંગપરા પૂરના પ્રવાહમાં તણાઈ મૃત્યુ પામ્યા.
- પ્રિન્સિપાલનો આબાદ બચાવ થયો, મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો.
- પોલીસે તપાસ શરૂ કરી, લોકોને સાવચેત રહેવા અપીલ.
અમરેલી : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક અનરાધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ક્રાકચ અને ભોરિંગડા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓમાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન બાઇક પર પસાર થઈ રહેલા ભોરિંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે બાઇક પર સવાર સ્કૂલના પ્રિન્સિપાલનો આબાદ બચાવ થયો હતો.
ક્રાકચ-ભોરિંગડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર
લીલીયા તાલુકાના ક્રાકચ અને ભોરિંગડા સહિતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસતા નદી અને વોંકળાઓમાં ભારે પાણીની આવક થઈ હતી. થોડા જ સમયમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર જોખમી બની ગઈ હતી.
પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક સાથે તણાયા સ્કૂલના સંચાલક
પ્રાથમિક માહિતી અનુસાર, ભોરિંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલા પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રચંડ પ્રવાહ તેમને બાઇક સહિત અંદાજે એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. ઘટનામાં તેમનું દુઃખદ મોત થયું હતું. જગદીશ રંગપરા સાથે બાઇક પર સવાર નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલનો સ્થાનિક લોકો અને બચાવ કામગીરીના પ્રયાસોથી આબાદ બચાવ થયો હતો. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ
મૃતદેહ લીલીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે શોધખોળ બાદ મૃતકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લીલીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી નદી, નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. અચાનક આવતા પૂરના કારણે જીવલેણ અકસ્માતો સર્જાઈ શકે છે, તેથી જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ





















