અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે લાઠી શહેરોના રસ્તાઓ પણ વરસાદી પાણીથી જળમગ્ન થયા હતા.
તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ
આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. તાલાલા શહેરની સાથે ગુંદરણ, માધુપુર, આંકોલવાડી, ધાવા, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વરસી રહેલા ઝરમર વરસાદથી મગફળી, સોયાબીન સહિત પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં તાલાલા પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. સુત્રાપાડા અને કોડીનારમા આજે અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવડા, વાવડી, વડોદરા ઝાલા, પ્રાંચી તીર્થ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સતત વરસી રહેલા વરસાદે તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી છે.
મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ શરૂ થતા ગરબા આયોજકો, ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતા પણ વધી છે.
જેતપુરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ
આ તરફ રાજકોટના જેતપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફુલવાડી, ચાંદની ચોક, એમ.જી.રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ભચાઉ, ગાંધીધામ, કંડલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.