Gujarat Rain forecast: અરબસાગરમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યાં છે. હાલ ખેડૂતનો પાક તૈયાર થવાના આરે હોય છે અને લલણીનું કામ ચાલતું હોય છે આવા સમયે વરસાદ આવતા ધરતી પુત્ર મુશ્કેલીમાં મૂકાયા છે.

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં વરસ્યો વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. ધારીના સરસીયા અને ગોવિંદપુરમાં  કમોસમી વરસાદ વરસ્યો. ખેતરોમાં પડેલા તૈયાર પાકને બચાવવા ખેડૂતોમાં અહીં  દોડધામ મચી ગઇ. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથક અને   ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠાથી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યાં છે.

Continues below advertisement

ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો. સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોરના ધોધમાર વરસાદ વરસતાં તૈયાર થયેલા પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. અહીં કાજલી, સૂત્રાપાડા ફાટક, બાદલપરામાં ધોધમાર વરસાદ વરસ્યો,સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહીં પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. માધવપુર અને આસપાસના વિસ્તારોમાં પણ  વરસાદી ઝાપટાએ  ખેડૂતોને  ચિંતામાં મૂકી દીધાં.

જૂનાગઢ જિલ્લામાં માવઠાનો માર

વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામડામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાં. માળીયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. અહીં ભંડુરી, પાણીધ્રા ગીર, જૂથળ, ગળોદર, ચોરવાડ સહિતના ગામોમાં વરસાદ વરસતાં માવઠાથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ભારે વરસાદની આગાહીના કારણે જૂનાગઢના માંગરોળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અહીં 4થી 6 ફૂટ સુધીના ઉછળી મોજા રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

હવામાન વિભાદની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાને થઇ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, સુરત, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના ગામડામાં છૂટછવાયો વરસાદ વરસ્યો.

ડાંગના આહવામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ વરસ્યો. વરસાદના કારણે  ડાંગર સહિતના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.નવસારી શહેરમાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો. નવસારી શહેર, બીલીમોરામાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અહીં ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.વાપીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો,. વલસાડ-વાપી વચ્ચે નેશનલ હાઈવે નં.48 પર કાળા વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.  હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

મધ્ય  ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો.દાહોદ, મહીસાગર, પંચમહાલ, બાલાસિનોરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી હતી. બહુચરાજીમાં પણ કારતકમાં અષાઢ જેવો માહોલ જામ્યો હતો.