Rain Alert: ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 3 કલાક સુધી વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓ માટે 3 કલાકનું વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ સમયે પ્રતિ કલાકે 41થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો- Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
રાજ્યમાં વરસાદના આંકડા
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળ બાદ સૂત્રાપાડામાં 4.84 ઈંચ, માળિયા હાટિના તેમજ કેશોદમાં 4.37 ઈંચ અને વેરાવળમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વંથલીમાં 3.07 ઈંચ અને માણાવદરમાં 2.36 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહી છે, જેમાં વડોદરાના શિનોરમાં 2.87 ઈંચ, સુરતના ઓલપાડમાં 2.36 ઈંચ અને ભરૂચના હાંસોટમાં 2.20 ઈંચ તથા વાલિયામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે. તાલાલામાં 1.84 ઈંચ જ્યારે લોધિકા, વાગરા, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
