અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 8 દિવસ થયા ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 24 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 15 તાલુકામાં સીઝનનો સરેરાશ 80 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ પર, 20 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિંગ પર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 48.21 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં કુલ 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. કપાસનું 17.10 લાખ, ઘાસચારાનું 3.10 લાખ હેક્ટર, સોયાબીનનું 1.58 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે. 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરાયું છે.  

આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે 17.10 લાખ હેકટર વિસ્તારમાં કપાસ જ્યારે 3.10 લાખ હેક્ટરમાં ઘાસચારો 1.58 લાખ હેક્ટરમાં સોયાબીન, 1.03 લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 43.05 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ કરવામાં આવી છે તેમ,કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.