Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યા છે, રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પુરની સ્થિતિ સર્જાઇ છે, તો કેટલીક જગ્યાએ નદી-નાળા અને તળાવો છલકાઇ ગયાની ઘટનાઓ પણ ઘટી. હવે ભારે વરસાદની વચ્ચે લોકોનું જનજીવન ખોરવાઇ રહ્યું છે, ઠેર ઠેર ટ્રાફિક જામ અને અન્ય મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે, હાલમાં જ સમાચાર છે કે, કડાણા ડેમમાંથી અત્યારે 10 લાખ ક્યૂસેક પાણી છોડાતા મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. 




મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક વધી છે, મહીસાગર ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડાતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.




ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 20 જેટલા ગામોને અત્યારની સ્થિતિમાં અલર્ટ કરાયા છે, કોતરિયા, રાણાયા, વાનોડા, મહી ઈટાડી, કૂણી, ભદ્રસા, ચીતલાવ, પાલી, સાંગોલ, એકલાચા સહિતના કેટલાય નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા છે. 




ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા બ્રીજ ઉપર પણ આજે વરસાદી પાણી ફરી વળ્યા છે. ગળતેશ્વર બ્રીજ ઉપર પાણી ફરી વળતા બ્રીજને બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી ગળતેશ્વરને જોડતો છે 2 કીમી લાંબો બ્રીજ પણ બંધ કરાયો છે. મહીસાગર નદી કિનારે આવેલું મહીસાગર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. વહીવટી તંત્ર દ્વારા ઠાસરા તાલુકાના 14 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે, અને સાથે સાથે 14 ગામની શાળામાં રજાઓ આપી દેવામાં આવી છે.  




હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી પણ સંકટ યથાવત છે.




નર્મદા નદીના પાણીથી ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા હતા. અંકલેશ્વરની અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે. દીવા રોડ, હાંસોટ રોડની સોસાયટીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સોસાયટીમાં એક માળ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચમાં નર્મદાનું જળસ્તર હજુ પણ 41 ફુટ છે. નર્મદા ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઘટાડી 5.95 લાખ ક્યુસેક કરાયો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ 138.68 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પાણીની આવક ઘટી 7.15 લાખ ક્યુસેક પર પહોંચી છે. અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.