બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, દ્વારકા, મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. માંડવી અને જામનગરમાં પણ અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા.
કચ્છના માંડવીના બગીચા બાગ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાયા હતા. લોકોને ફસાયા હોવાની જાણ થતા એનડીઆરએફના જવાનો કેડસમા પાણીમાં ત્યાં પહોંચ્યા હતા અને છ જેટલા લોકોને બચાવ્યા હતા. બીજી તરફ માંડવીમાં ધરાશાયી વૃક્ષો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
દ્વારકામાં એનડીઆરએફએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.
કચ્છમાં કનકાવટી નદી બે કાંઠે
વાવાઝોડાના કારણે કચ્છમાં ચોમાસા કરતાં પણ ખરાબ સ્થિતિ ઉભી થઇ ગઇ છે, અહીં કનકાવટી નદીનું પાણી ગામોમાં ઘૂસી ગયુ છે.કચ્છમાં ગઇકાલેથી પડી રહેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, નલિયાના માંડવી રૉડ ઉપરની કનકાવટી નદી બે કાંઠે થઇ ગઇ છે. કનકાવટી નદી ઓવરફ્લૉ થવાથી નદીનું પાણી રસ્તાંઓ પર ફરી વળ્યા છે, અને પાણી ગામોમાં પણ ઘૂસી ગયા છે. જોકે, કનકાવટી નદીના પાણીથી કોઇ નુકસાન ના થાય તે માટે તંત્રએ અગાઉથી જ સાવચેતીના પગલા ભરી દીધા હતા, ગામો અગાઉથી ખાલી કરાવી દીધા હતા. કચ્છ જિલ્લામાંથી બિપરજૉય લેન્ડફૉલ થયા બાદ ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે.
વાવાઝોડાના લેન્ડફૉલ બાદ તબાહી શરૂ, ઓખાના દરિયાનું પાણી ગામોમાં ઘૂસ્યું
બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ બિપરજૉય વાવાઝોડાને લઇને માહિતી આપી હતી કે, આ વાવાઝોડુ તબાહી મચાવી શકે છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે