પોરબંદર: પોરબંદર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.  અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું આગમન થતા લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.  


પોરબંદરના બરડા પંથકમાં ખિસ્ત્રી, ગોઢાણા, બગવદર,  બાવરવાવ, ખાંભોદર, કાટવાણા,  વાછોડા સહિતના ગ્રામ્ય પંથકના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.  હવામાન વિભાગ દ્વારા પણ પોરબંદર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 


જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ


રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.  આટકોટ,ગરણી,ગુંદાળા,  જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 


આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા.  સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ. 


સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.   


ગોંડલ તાલુકામાં વરસાદ 


રાજકોટ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ગોંડલના સીમ વિસ્તારમાં  મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. 


ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી


રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 


અંબાલાલ પટેલે મોટી આગાહી


ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.