Gujarat Rain: હાલોલ અને હિંમતનગર જળબંબાકાર, બપોર સુધી 66 તાલુકામાં વરસાદી કહેર, વાંચો તાજા આંકડા
Rain News: હિંમતનગર શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે

Rain News: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી આફત તૂટી પડી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલમાં ખાબક્યો છે, હાલોલમાં 9 ઇંચ વરસાદે તબાહી મચાવી છે, તો વળી, સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે. અનેક વિસ્તારોમાં ઘરો-મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અહીં બપોર સુધીના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે...
રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદ
આજે હાલોલમાં ખાબક્યો સૌથી વધુ પોણા નવ ઈંચ વરસાદ
આજે ઉમરેઠમાં ખાબક્યો 4.57 ઈંચ વરસાદ
આજે બોરસદમાં 3.07 ઈંચ, કામરેજમાં 1.57 ઈંચ વરસાદ
આજે ઘોઘંબામાં 1.54 ઈંચ, ઉમરગામમાં 1.38 ઈંચ વરસાદ
આજે સાવલીમાં 1.34 ઈંચ, ધાનપુરમાં 1.26 ઈંચ વરસાદ
આજે નાંદોદમાં 1.22 ઈંચ, નેત્રંગમાં 1.14 ઈંચ વરસાદ
આજે ઓલપાડમાં 1.14 ઈંચ, આંકલાવમાં 1.1 ઈંચ વરસાદ
આજે નડિયાદમાં 1.02 ઈંચ, જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ
આજે મહુધા, વાઘોડિયામાં એક-એક ઈંચ વરસાદ
હાલોલમાં 9 ઇંચ વરસાદે કહેર વર્તાવ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી હતી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
હિંમતનગરમાં ધોધમાર વરસાદથી તબાહી
હિંમતનગર શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદના કારણે સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. જેના કારણે રહીશોએ પાણી નિકાલ માટે ભારે મથામણ કરવી પડી. તો આ સાથે શહેરના અવનીપાર્ક સોસાયટીમાં રાખેલી 15 જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી હતી. તો શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઈન્દ્રનગર રેલવે અન્ડરપાસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી છે. ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ પાણી ભરાયા છે. જેમાં અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થયા છે.





















