અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે. હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે.
સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, આણંદ, અમદાવાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. નવેમ્બર માસના શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં પણ નવેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.
22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે
7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ફરી એક વાર ચક્રવાત થવાની શક્યતા છે. જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી તેમણે કરી છે. જોકે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળશે.