Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે  નાઉ કાસ્ટ જાહેર કરતાં આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા માટે 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

Continues below advertisement

હવામાન વિભાગના અનુમાન મુજબ દાહોદ, પંચમહાલ, મહીસાગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગે લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની, ખુલ્લા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની તેમજ વીજળી પડે  ત્યારે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસન પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે આગામી કલાકોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા વધુ અપડેટ જાહેર કરવામાં આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી કરી આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી હવામાનની આગાહી કરવાની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતના આગામી દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. વિવિધ ખેડૂત સંગઠનો અને લોકોની અપીલ બાદ ફરી આગાહી શરૂ કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 14 અને 15 જુલાઈથી રાજ્યમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળશે. ખાસ કરીને રથયાત્રાના દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

14 અને 15 જુલાઈથી વાદળછાયું વાતાવરણ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 અને 15 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો જોવા મળશે. આ દરમિયાન હવામાનમાં પલટો શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ

સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગંભીર જળસંકટની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગ અને સિંચાઈ વિભાગના અહેવાલો મુજબ, તાજેતરમાં અપૂરતી મેઘમહેરના લીધે રાજકોટ જિલ્લાના મુખ્ય 26 જળાશયો સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીનો બગાડ અટકાવવા અને વૈકલ્પિક આયોજન હાથ ધરવા તાકીદની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો- Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નર્મદા યોજનાની પાઈપલાઈન દ્વારા કેટલાક જળાશયોને ભરવા માટેની રજૂઆત સરકાર સ્તરે કરવામાં આવી છે. જો કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાના લીધે ભૂગર્ભ જળ પણ નીચે ઉતરી રહ્યા છે, જેના કારણે કૂવા અને બોરવેલ સૂકાઈ રહ્યા છે. જો જુલાઈના અંત સુધીમાં સંતોષકારક વરસાદ નહીં વરસે, તો ખેતીની સાથે-સાથે પશુપાલન અને સ્થાનિક ઉદ્યોગો પર પણ માઠી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે.