દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શરુઆત થઈ છે.  દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે બરબાદીનું માવઠું વરસ્યું છે. 

દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ઓખા, મીઠાપુર સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  કલ્યાણપુરના ભાટિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દ્વારકા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડ્યું હતું.  ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. 

Continues below advertisement
Continues below advertisement

લાલપુર પંથકમાં પણ વરસાદી મહોલ

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ વરસાદી મહોલ જામ્યો છે. લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે બરબાદીનું માવઠું વરસ્યું છે.  ચાર થાંભલા, ગાયત્રી સોસાયટી, જામનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદથી શહેરની શેરીઓ અને ખેતરમાંથી પાણી વહેતા થયા હતા. 

બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તો મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ મુજબ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. 3 એપ્રિલે પણ કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાની સાથે સંઘ પ્રદેશ દીવમાં પણ કમોસમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે અમદાવાદ, બનાસકાંઠામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.  આગામી બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.