ગાંધીનગર: ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક વરસાદ વરસશે.   આ અંતર્ગત વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બે દિવસ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં હજુ 17 ટકા વરસાદની ઘટ છે. 


પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ


ગુજરાતમાં આજે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ફક્ત ચાર કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા સ્થાનિક નદી નાળા, કોતરો છલકાયા હતા. કોતરોના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. જાંબુઘોડા અને રામપુરાને જોડતા માર્ગ પર આવતા કોઝવે પર ફરી વળતા માર્ગ બંધ થયો  હતો. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.


અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ



આજે વહેલી સવારે અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.


શહેરના વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. 


વાડજ વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના બી-૬ બ્લોકના ધાબા પર વિજળી પડી હતી. વિજળી પડતા જ ધાબાની દિવાલમાં સામાન્ય નુકશાન થયું હતું, જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી. સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયા હતા. ફ્લેટની બહારની દિવાલ જાણે આગ લાગી હોય તે રીતની કાળી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.