ગાંધીનગર: રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે ,આવતીકાલે અને 29 મેએ દરિયો ન ખેડવા માછીમારોને  સૂચના આપવામાં આવી છે.  અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર  કરંટ જોવા મળ્યો છે. 


બનાસકાંઠામાં વહેલી સવારથી  વાતાવરણમાં પલટો આવ્યો છે.  વાવ,થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ છે.   જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.  બાજરી, એરંડા સહિતના પાકોને નુકશાનની ભીતી છે. 


ઠંડા પવન સાથે વલસાડમાં વરસાદ  વરસ્યો છે.  હાલર રોડ, સ્ટેશન રોડ પર ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. 


રાજ્યમાં પવનગતિમાં વધારો થશે


Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.


મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ


આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.